સંબંધ



      સબંધ - કેટલો નાનો અમસ્તો શબ્દ, પણ આમ જોવા જઈએ તો બહુ મોટો. એક આખું આયખું પણ ઓછું પડે આ એક શબ્દ ને  સમજતા,  વિચારતા, નિભાવતા....

      શું વ્યાખ્યા કરી શકાય સબંધ ની .... જોડણી છુટ્ટી પાડીએ તો સ અને બંધ . સ એટલે સારું અને બંધ એટલે જોડાણ . એટલે જેમની સાથે સારું જોડાણ હોય એમની સાથે સબંધ છે એમ કહી શકાય . પણ શેનું જોડાણ ? ચાલો લાગણી ઓ નું જ ગણી લઈએ તો જેના પ્રત્યે લાગણી છે એની સાથે સબંધ છે એમ કહી શકાય . પણ ખરેખર એવું છે ? કારણકે આજુ બાજુ જરાક નજર કરીએ તો મગજ ને એટલું તો સમજ માં આવે કે જેની સાથે લાગણી નથી એવા ઘણા બધા એક સાથે રહેતા હોય છે અને પૂછીએ તો જવાબ પણ મળે કે એમની સાથે સબંધ છે. તો શું  સમજવાનું ને શું માનવાનું ? વિચારવા જઈએ તો આ આટાપાટા માં મગજ એવું આટી એ ચડે ને કે બધા પાટા આડા અવળા જ લાગે .

      બધા ના મત ને એકબાજુ એ મૂકી ને ફક્ત મારા જ મત ની વાત કરું તો સબંધ કંઈક આવી રીતે સમજાય  છે મને.

      સાથે રહેતા, ઉઠતા, બેસતા, વાતો કરતા મોકળાશ નો અનુભવ કરી શકાય . થોડું સુખ આપી શકાય અને 
બધું દુ;ખ વહેચી શકાય . જેની અમે બોલવા શબ્દો શોધવા કે સંતાડવા ના પડે . જેની સામે બોલતા પેહલા વિચારવું ના પડે .છૂટ થી  મન  મૂકી ને અંદર થી બધું ઠાલવી શકાય . અંતર નો ઉમળકો હોય કે અંતર નો બળાપો , વાતો નો ડંખ હોય કે મન માં છુપાયેલો દંભ . જેની સામે સરળતાથી સાવ સહજ જ બોલાય જાય એની સાથે સબંધ છે એમ કહેવાય .

      પણ અમાં પણ પરિસ્થિતિ પ્રમાણે બદલાવ આવતા વાર નથી લગતી . સૌથી આગળ રહેલો સ ધીમે થી સરકી ને ક્યારે નતમસ્તક કરી ને ઉભેલો ન બની પાછળ જતો રહે ખબર પણ નથી પડતી અને સબંધ માંથી જ બંધન બની જાય . ને ત્યાંથી જ તકલીફો ની શરૂઆત થાય...અને ધીમે ધીમે અકળામણ એટલી વધતી જાય કે સબંધ નું અસ્તિત્વ જ ઓગળી જાય.

      સબંધ - બોલવા  માં ભારેખમ લાગતો શબ્દ પણ એને બહુ જ પ્રેમ અને નાજુકાઈ થી જાળવવો પડે . જો જરાય કઠોરતા થી અડ્કાઈ જાય તો પાણી ના પરપોટા ની જેમ એના અસ્તિત્વ નો ઓછાયો શોધવા જઈએ તો પણ ના મળે . સતર્કતા જરૂરી છે આ શબ્દ ની માવજત કરવા માટે. એને જાળવતા જાળવતા ભાવના ઓ ને વગર કીધે કૈક અંશે જાણતા શીખી જઈએ છીએ આપણે બધા . પણ જયારે ભાવના અને શબ્દો અલગ અલગ તારી આવે ત્યારે ચેતી ને અત્મ્વીશ્લેષણ કરવું જરૂરી બને છે તો જ કદાચ સબંધ ને ટકાવી શકાય . ક્યાંક કૈક ખૂટે છે આપણા માં જે પેહલા હતું અને હવે નથી એ કઈ પણ હોઈ શકે ....આપણી સહજતા, મિત્રતા, પ્રેમ, સમજણ કઈ પણ. પણ એ કૈક બદલવાથી સબંધ માં રહેલા બીજા વ્યક્તિ  ની  વાચા ને મસમોટું તાળું લાગી જાય છે જે કેટલીયે ચાવી ઓ લગાડવા છતાયે ખુલી શકતું નથી . ને અહી થી જ પાછળ  ઉભેલા પેલા ન નો અહેસાસ થવા માંડે છે . લાગણી ઓ નો સંગ્રહ મન માં થવા લાગે , ધીમે ધીમે એ વધતો જાય અને જયારે પુર આવે ને ત્યારે વરસો નું જોડાણ પણ વહાવી ને લઇ જાય અને એ કોઈનાય પ્રયત્નો થી રોકી ના શકાય . અને પુર ના પાણી ની માફક એ પણ કાંપ છોડતું જાય જેમાં પસ્તાવા સિવાય બીજું કઈ ઉગી ના શકે .લાગણી ઓ ના વહેંણ ને એટલું આગળ વધે એ પહેલા અટકાવવા ફક્ત આટલું સમજી લો

      ભૂખ તો લાગણી ઓ ને પણ લાગે છે સાહેબ.....બસ , સબંધો સ્વાદીસ્ટ હોવા જોઈએ...

                                                                                                                       
                                                                                                                            નેહા સોજીત્રા મોવાલિયા



Comments

Popular posts from this blog

મારી દ્રષ્ટી એ તું